offers

Wednesday, 6 May 2015

નાગાજણ જીલરીયો

નાગાજણ જીલરીયો
સંવત 1530માં આહીરોએ લોહી-પાણી એક કરી જેઠવાઓ પાસેથી મોરબી પરગણું જીતી કચ્છના રાજા રાવ ખેંગારજી પહેલાને સોંપ્યું. કચ્છના રાજાએ આહીરોની વફાદારીથી ખૂશ થઈ મોરબી પરગણાનો વહીવટ તેમને સ્વતંત્ર રીતે સોંપ્યો. 
ઇ.સ. 1698માં કચ્છ રાજકુટુંબમાં ખટપટ થતા મજોકાંઠા પંથકના આહીરોના આશરે આવેલા કચ્છના કુંવર કાંયાજીને મોરબીની ગાદીએ બેસાડી આહીરો રાજકાજથી અળગા થયા. 
આજથી બસો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચારેબાજુથી ચૂંથાઈ રહ્યો હતો, મરાઠાઓની પેશકદમી, જૂનાગઢની જોરતલબી, ભાવનગર અને કાઠીઓના ધિંગાણા, સિમાડા દબાવતા જામનગર-કચ્છના રજવાડા, માળિયાના મિયાણાઓની લૂંટફાટ અને અંગ્રેજ સરકારની વધતી ભીંસથી મોરબી પાયમાલ થતા રાજની તિજોરી તળિયા ઝાટક થઈ ગયેલી. 
રાજના ખર્ચા ભારે પડતા મોરબીના ઠાકોરે ટંકારા પરગણું સુંદરજી શેઠને ત્યાં ગીરવે મૂક્યું. ઠાકોર જિયાજીએ ખજાનાની કંગાળ હાલત જોઈ કારભારીને તાકીદ કરી. રાજની તિજોરી ખાલી જોઈ તે ભરવા કારભારીએ રૈયત ઉપર આકરા વેરા નાંખવાનું શરૂ કર્યું.
કારભારીએ મોરબીની તિજોરી ભરવા આકરા કરવેરાનો આશરો લેતા ખેડૂતો પાસેથી ખેત પેદાશોનો અર્ધોભાગ લેવાના હુકમ કર્યા. 
એ સાથે મોરબી રાજનો ગરાસ ભોગવતા જૂના ખેડૂતોની જમીન ખાલસા કરી તેની ઊંચી કિંમત વસૂલવા કાવાદાવા શરૂ કર્યા. ચાંચાપરમાં પાંચેક સાંતીની જમીનનો ગરાસ ભોગવતા નાગાજણ જીલડીયા ઉપર કારભારી કોઈક કારણસર પૂર્વગ્રહ ધરાવતો. નાગાજણ જીલડીયાના પૂર્વજોની વફાદારી અને મોરબીના રાજા કાંયોજીને સંકટને સમયે મદદ કરતા રાજાએ પ્રસન્ન થઈ તેમને ચાંચાપરમાં પાંચ સાંતી જેટલી જમીન ગરાસમાં આપેલી. 
કારભારી સીધી રીતે નાગાજણના પૂર્વજોને મોરબી ઠાકોર તરફથી મળેલ ગરાસમાં મળેલ જમીન છીનવી શકે તેમ ન હતો, પરંતુ તેને અચાનક બગાસું ખાતા એના મોઢામાં પતાસું આવી ગયું. નાગાજણ જીલડીયાએ કારભારીએ રચેલ કુંડાળામાં પગ મૂકી દેતા પાંચેક સાંતીનો ગરાસ ખાલસા કરવાનું બહાનું કારભારીને મળી ગયું. 
નાગાજણનું બહારવટુ અન્યાય સામે હોય તે નિર્દોષ પ્રજાને રંજાડવામાં માનતો ન હતો, જોકે મોરબી ઠાકોર સામે બહારવટે ચડેલો નાગાજણ રાજના માણસોને ભારે પડી રહ્યો હતો. નાગાજણે રાજના માણસોનો મારગ આંતરી રાજનો ખજાનો લૂંટવાનું શરૂ કરતા મોરબી ઠાકોરની ઉંઘ ઉડાડી દીધી. 
નાગાજણ જીલડીયાનું નામ સાંભળતા સિપાહીઓ પણ ધ્રુજતા. રાજા જિયાજી ફોજ લઈ નાગાજણને પકડવા જાતે વગડો ખૂંદી રહ્યો હતો, પરંતુ તે કેમેય હાથમાં આવતો ન હતો.
નાગાજણના બહારવટાને વર્ષો વીતી ગયા, એકવખત ચોમાસાની મેઘલી રાતે નાગાજણ જીલરીયો પોતાની જાતવાન માણકી ઘોડી લઈ વગડો ખૂંદતો મચ્છુ કાંઠે આવી પહોંચ્યો. અનરાધાર વરસતા વરસાદમાં ચારેબાજુ પાણી ભરાયેલા, એ વખતે ઘેઘુર દરીયાની જેમ ગાંડી થઈ મચ્છુને બેય કાંઠે વહેતી જોઈ નાગાજણના દિલમાં ઘરની યાદ આવી ગઈ. વરસાદી તોફાનમાં પશુ-પક્ષી સાથે મનુષ્ય માત્ર જંપી ગયેલા. 
આવા ધોધમાર વરસતા વરસાદમાં નાગાજણે માણકી ઉપર બેઠા બેઠા નદીના સામા કાંઠા તરફ નજર કરતા મોરબીના રાજમહેલમાં ટમટમતા દિવા જોવા મળ્યા.
રાજમહેલમાં ટમટમતા દીવા જોઈ નાગાજણનું હૈયું વલોવાયું, એ તો મહેલના નવરંગ ઢોલીયા ઉપર મોજ કરે અને પોતે રાજના નિર્દોષ માણસોને રંજાડે એ ઠીક નથી, આજ મોરબી ધણીને જ પૂરો કરી દઉં તો બહારવટાની વાત પૂરી થઈ જાય. આમ વિચારી માણકીને આવળ સાથે બાંધી હિલોળા લેતી મચ્છુ સામે નજર માંડતા પૂરમાં મોટા ઝાડવા તણાતા જોયા. 
પણ નાગાજણ જીલડીયાએ પળનોય વિલંબ કર્યા વગર તલવારને જડબા વચ્ચે દબાવી નદીમાં ઝંપલાવ્યું. હાથીનેય તાણી જાય તેવા હિલોળા લેતા પૂરમાં નાગાજણ ત્રાંસા પડખે તરતો સામે કાંઠે આવેલ રાજમહેલની ઊંચી દીવાલ પાસે પહોંચી ગયો. અને રાજમહેલની દીવાલની ટોચ તરફ નજર કરી. એ સાથે રેશમની દોરી સાથે કોથળીમાં પૂરી રાખેલ ચંદનઘોને બહાર કાઢી તેઓ ઘા કરતા કાંગરે જઈને અટકી. એ સાથે રેશમની દોરીનો ટેકો લઈ તે સડસડાટ દીવાલ ચડી રાજમહેલના ઝરૂખામાં પહોંચી ગયો. રાજમહેલના ઝરૂખામાં પગ મુકતા તેના કાને મોરબીના રાજા-રાણીને વાત કરતા સાંભળ્યા. 
“ઠાકોર, આજે તો મચ્છુએ માઝા મૂકી છે !” 
”હા, રાણી આ પૂરમાં ભારે નુકશાન થવાની સંભાવના છે.” 
”ઠાકોર, આવું પૂર તો મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી, ગામોના ગામ તણાય જાય તેવા આ ભયંકર પૂરમાં જો કોઈ માણસ ફસાઈ જાય તો તેને કોઈ બચાવી શકે ખરૂં ?” 
”હા, રાણી આપણા રાજમાં એવો એક મરદ છે તેને ગમે તેવા પૂર રોકી ન શકે !” 
”શું વાત કરો છો ? એવો કોણ છે એ ?” 
”ચાંચાપરનો નાગાજણ જીલડીયો !” 
”એ તો રાજનો દુશ્મન ?” 
”ના, રાણી દુશ્મન તો આપણે બનાવ્યો છે, બાકી નાગાજણ તો નીતિવાન છે. તેણે આજદિન સુધી કોઈ નિર્દોષને રંજાડ્યા નથી !”
જેનો વધ કરવા નીકળ્યો હતો, તેના મોઢે વખાણ સાંભળ્યા. જિયાજી ઠાકોરને મારી નાંખવા નીકળેલા નાગાજણ જીલડીયાની તલવાર ઉપરની પકડ ઢીલી પડી ગઈ. અસાવધ રાજા પર ઘા કરવાની જગ્યાએ નાગાજણ ઝરૂખામાંથી કૂદકો મારી રાજા સામે જઈ ઊભો રહી ગયો. કાળસ્વરૂપ નાગાજણને ખુલ્લી તલવાર સાથે ઊભેલો જોઈ મોરબીનો ધણી મુંઝાયો.
“નાગાજણ તું ?” 
”હા, ઠાકોર આજે બહારવટું પૂરું કરવાના ઈરાદાથી આવ્યો ‘તો, પણ તમારા મોઢે મારી વાત સાંભળી ચોરની જેમ મારતા જીવ ન ચાલ્યો !”
“વાહ નાગાજણ તારી વાતો સાંભળી ‘તી; પણ આજ તારી મર્દાનગી જોઈ આનંદ થયો !” 
”ઠાકોર ઈ’ બધી વાતો મૂકો; હવે મર્દને શોભે તેમ ફરી મળવા આવીશ !” નાગાજણે દ્રઢતાથી કહી ઝરૂખા તરફ પાછા ફરવા પગ ઉપાડ્યો. 
”નાગાજણ, તારી જમીન સાથે ચાંચાપર ગામ આપું તો બહારવટુ મૂક્ય ખરો ?” 
”ઠાકોર, બહારવટાનો મને શોખ નથી, આ તો અન્યાય સામે નાછૂટકે હથિયાર ઉપાડવા પડ્યા !”
“નાગાજણ તો કાલે ભર્યા દરબારમાં તાંબાના પતરે તારી જમીન સાથે ચાંચાપર લખી આપીશ !” નાગાજણનું બાવડું ઝાલી જિયાજીએ કહ્યું. 
“ઠાકોર, મારે હક્કની જમીન લેવી છે, મને ગામધણી થવાના ઓરતા નથી !” 
”નાગાજણ, તને તારી જમીન પાછી આપી મને નાનો ન બનાવ ! મારે તો ચાંચાપર આપી મારી ભૂલ સુધારવી છે !” 
”ઠાકોર, હક્ક સિવાયનું મારા માટે ગાયની માટી બરાબર છે ! લો ત્યારે જય મુરલીધર !!!”
“ભાઈ નાગાજણ, ચાલ મહેલના દરવાજા સુધી તને મૂકી જાવ !” 
”ઠાકોર, આજે તો હું મચ્છુમાનો ખોળો ખૂંદતો આવ્યો છું, એટલે પાછો પણ એ રસ્તેથી જ જઈશ !” 
”ભલે જેવી તારી મરજી, જય મુરલીધર !” 
”જય મુરલીધર...”
નાગાજણે મુરલીધરની જય બોલાવતા રાણીને હાથ જોડી નમસ્કાર કરતા રાજમહેલના ઝરૂખામાંથી ઘુઘવાટા મારતી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું. મોરબીના રાજા-રાણી વિશાળ કાયા ઘરાવતા હાથીને તલખલાની જેમ તાણી જાય તેવા હિલોળા લેતા પૂરમાં નાગાજણને નવાઈ ભરી નજરે તરતો જોઈ રહ્યા.
બીજા દિવસે મોરબીના રાજદરબારમાં ઠાકોર જિયાજીના ભાઈ દેવાજી સહિત મોરબીના ભાયાતો મિતાણા, મોડપર, દેરાલા વગેરે ગામોથી આવી પહોંચ્યા. એ સાથે નગરશેઠ, મહાજન, અમલદારો, પંડિત-પુરોહિતો, કવિઓ સાથે દરબાર હકડેઠઠ્ઠ ભરાઈ ગયો. સૌના મનમાં એક જ સવાલ ઘોળાતો કે નાગાજણ આવશે કે કેમ ? અને એ સાથે સૌની આતુરતાનો અંત આવતો હોય તેમ મરદ મુછાળો, પાંચ હાથ પૂરો, સિંહ જેવી છાતીવાળો કમરે લટકતી તલવાર અને ખંભે શોભતા ભાલા સાથે નાગાજણે પોતાના પાંચ સાથીઓ સાથે મોરબી દરબારમાં પગ મૂક્યો. 
મોરબીનો કારભારી ડંખીલો હતો, તેને નાગાજણે પ્રત્યે દ્વેષ હતો. 
કારભારીએ નાગાજણને દરબારમાં દાખલ થતો જોઈ મનના ભાવ દબાવી મોઢા ઉપર કપટયુક્ત હાસ્ય સાથે તેને આવકાર્યો. નાગાજણે મોરબી ઠાકોરનો આદર કરી બેઠક લેતા જિયાજીએ કારભારીને ઈશારો કર્યો. કારભારીના દીલમાં નાગાજણ માટે નફરત હતી, પરંતુ રાજાનો આદેશ થતા તાંબાના પતરામાં લખેલો લેખ દરબારમાં વાંચી સંભળાવ્યો. અને બીજીબાજુ કારભારીથી નાગાજણને મળેલું માન ન જીરવાતા બાજુમાં બેઠેલા કવિના કાનમાં કહ્યું, “કવિ, આ નાગાજણની બાજી ઊંધી વાળી નાંખે તેવું કંઈ થઈ શકે ખરૂં ?” 
”કારભારી, એક પળમાં આખો મામલો બદલી નાંખુ, પણ મારું શું ?”
“કવિરાજ, પાંચસો રૂપિયા રોકડા અને એક જોડ મોંઘામૂલના લૂગડા... બસ નાગાજણને નવડાવી નાંખો !” 
”ઓહો તો તો હમણા બાજી પલટી નાંખું !” આમ કહેતા કવિ નાગાજણના ગુણગાન ગાવા લાગ્યો.

ચાંચાપરનો ચાસ જીલડીયાનો જાય નહીં; 
રાજવી માથે રમી રાસ રંગ રાખ્યો નાગડા. 
ખાંડાની ખતપતરી કરી, મરડી ખાતો માલ; 
સીમાડાનું એ તો સાલ, નર જોયો ઈ નાગડો. 
ધન્ય છે નાગાજણ તારી જનેતાને કે તારા જેવા દિકરાને જન્મ આપ્યો ! કોઈમાં તારી જમીન છીનવી લેવાની તાકાત નથી, અરે, ભડવીર તેં તો રાજ માથે રાસડા લઈ રંગ રાખ્યો, અરે તેં તો તલવારની અણીએ તારા હક્ક લખાવી લીધા... કવિની વાત સાંભળી રાજ દરબારમાં છન્નાટો છવાઈ ગયો. એ જોઈ મોરબી ધણીનો ચહેરો તંગ થતા કવિને તિરસ્કારથી કહ્યું.
“કવિ, મર્યાદા રાખી બોલો તો સારું !”
કવિ તો દેખે એવું કે’, નહિ ફરક તલફેર; 
નાગડ છે ગર મેર, સાચો ના સગમલ રાઉત. 
”ઠાકોર, માફ કરજો, કવિ તો જેવું જોવે એવું કહે જો આમાં મેં કંઈ ખોટું કીધું હોય તો કહો !” 
”કવિ, મોરબી માથે કુળદેવી મોમાઈ રૂઠી નથી કે બીકના માર્યા ગરાસ પાછો આપ્યો નથી. આ તો અમન જળવાય એવી ભાવનાથી રાજ મોટું મન રાખે છે !” એમ કહેતા જિયાજીએ મોઢું ફેરવી લીધું. એ જોઈ નાગાજણ જીલડીયાએ ઊભા થતા કહ્યું. 
“ઠાકોર, હું કાંઈ ભામણ-ભવાયો નથી કે દયાની ભીખમાં ઇનામ લઉં, નાગાજણ નમાલો નથી. અરે, અમે તો બાવડાના બળે બહારવટું ખેડ્યું છે !” 
નાગાજણની વાત સાંભળી મોરબી ઠાકોરે સિંહાસન ઉપરથી ઊભા થતા કહ્યું, ”નાગાજણ, બે-બે તલવારો બાંધજે, અને બંદૂકોના ભડાકા કરી મોરબીના ગઢને ઊખાડીને મચ્છુમાં પધરાવી દેજે !” ”ઠાકોર, આ જ કરવું ‘તું તો બોલાવવો નો’તો !” નાગાજણે રાજ દરબારમાંથી ઊભા થતા તાંબાના પતરાનો કારભારી સામે ઘા કર્યો. અને પોતાના સાથીઓને ઇશારો કરી ખુલ્લી તલવાર સાથે પાછા પગલે ચાલતા દરબારમાંથી વીજળી વેગે બહાર નીકળી ઘોડી ઉપર રાંગ વાળી. કારભારીએ એ જોઈ નાગાજણને જીવતો કે મરેલો પકડી લેવા સૈનિકોને હુકમ કરતા નગારે દાંડીનો ઘા થતા સેના નાગાજણ પાછળ પડી. 
નાગાજણે મોરબી કિલ્લા બહાર નીકળી વાવડી ગામ નજીક પહોંચતા સાથીઓને પોતપોતાના ઘેર જવા સમજાવ્યા, પરંતુ તેઓ ન માનતા કુળદેવી મોમાઈમાના સોગંદ આપી તેમને વિદાય કરી એકલા હાથે જંગ લડી લેવાની તૈયારી કરી. 
થોડીવારમાં જ સેના આવી પહોંચતા નાગાજણ ચારેબાજુથી ઘેરાયો, નાગાજણે બેય હાથમાં તલવાર લઈ મોરબીસેના ઉપર ત્રાટકતા આંખના પલકારામાં અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. પણ મોરબીથી છૂટેલ વિશાળ કટક કેમેય કરી એકલા હાથે ખૂટે તેમ ન હતું. એકલો ઝઝુમી રહેલ નાગાજણ સેંકડો સૈનિકોને ભારે પડી રહ્યો હતો. સૈનિકોની લાશોના ઢગલા વચ્ચે શરીર ઉપર અનેક જીવલેણ ઘા ઝીલતા નાગાજણને દગાથી મારવા સેનાપતિએ ઈશારો કર્યો. 
સેનાપતિનો ઇશારો થતા એક સિપાહીએ લોહીથી નીતરતા નાગાજણની પીઠમાં ભાલાનો ઘા કર્યો, અને પીઠમાં ભાલાનો ઘા વાગતા નાગાજણ દગાથી મરાયો. નાગાજણ જીલડીયાની વીરતાની સાક્ષી પૂરતું સમાધિ મંદિર તેના સ્વમાન અને શોર્યની યશગાથા ગાતા જોવા મળે છે. ઠાકોર જિયાજીના શાસનકાળ ઇ.સ. 1790થી 1828 દરમિયાન થઈ ગયેલો નાગાજણ જીલડીયો મોરબીના ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે.

No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...