ઓ રે, મારા આ જીવનની શેષ પરીપૂર્ણતા
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા.
જીવનભર તુજ કાજે સ્વામી,
આંખો મુજ નિદ્રા નવ પામી.
તારે કાજ સહ્યાં મેં સુખદુખ અને વ્યથા,
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા,
જે છું જે પામી છું, જે કશી છે મુજ આશા,
અજાણતા તુજ ભણી સ્ફુરે છે સઘળી પ્રેમની ભાષા.
મિલન થશે તારી સાથે
એક જ શુભ દ્રષ્ટીપાતે,
જીવનવધુ થશે તમારી નિત્ય-અનુગતા
વરણમાળા ગુંથી રાખી છે મુજ મન મોઝારે
ક્યારે નીરવ હાસ્ય મુખે તું વર બની આવીશ દ્વારે?
તે દિન મારું રહેશે ના ઘર,
કોઈ પોતાનું કે કોઈ અપર,
વિજન રાતે પતી સાથે સંયોજાશે પતિવ્રતા,
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા.
No comments:
Post a Comment