offers

Thursday, 18 February 2016

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

Saturday, 13 February 2016

ખુશનુમાં સવાર ની સુવાંસ તો તું જ

થોડી ભીંજાયેલી પીંછી માં તારા તો રંગ છે,
તારા સ્પર્શ નો ,લાગણી માં આવેલો ઉમંગ છે..

કોરા કાગળ પર છવાયું, આ શબ્દોનું ધુમ્મસ,
લાગે છે આ રંગો ને પણ તારો તો અહીં સંગ છે..

કેનવાસ ના દરેક કલર માં મળતી તો તું જ,
જાણે રૂપ થી રંગો સાથે કરતી તું કોઈ જંગ છે..

ખુશનુમાં સવાર ની સુવાંસ તો તું જ, જાણે 
વહેતી હવામાં , અડીને તારૂં કોઈ અંગ છે.

હર હર મહાદેવ હર ........

Thursday, 11 February 2016

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...